આતુરતાનો અંત : ભરૂચ જિલ્લા વિધાનસભાની પાંચ બેઠકો ઉપર ભાજપના ઉમેદવારો જાહેર
જિલ્લા ભાજપ કાર્યાલયે ભરૂચ બેઠકના ઉમેદવાર રમેશ મિસ્ત્રીનું ફટાકડા ફોડી ફુલહાર પહેરાવી ઉષ્માભેર અભિવાદન
અંકલેશ્વર બેઠક ઉપર ઇશ્વરસિંહ પટેલ, વાગરામાં અરૂણસિંહ રણા રીપીટ
જંબુસર બેઠક માટે સંત ડી.કે.સ્વામી અને ઝઘડિયા બેઠક ઉપર તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ રીતેશ વસાવાને ટિકિટ
- ભાજપનો દરેક ઉમેદવાર કાર્યકર અને સૌના સાથ અને સહકારથી વિજય બની વિકાસને વેગ આપવા કટીબદ્ધ : રમેશ મિસ્ત્રી
ભારતીય જનતા પાર્ટીએ ભરૂચ જિલ્લાની પાંચ બેઠકો ઉમેદવાર જાહેર કરતા જ જિલ્લા સંગઠનમાં ખુશીની લહેર સાથે ઉમેદવારોને વધાવી લેવાયા હતા.
ભરૂચ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકમાં અંકલેશ્વરમાં ઇશ્વરસિંહ પટેલનની પાંચમી ટર્મ માટે પણ પસંદગી ઉતારાઈ છે. વાગરા વિધાનસભા બેઠક માટે ત્રીજી વખત અરૂણસિંહ રણાને ટિકિટ અપાઈ છે. જ્યારે ભરૂચ બેઠક ઉપર વર્ષ 2002 થી 2007 માં ધારાસભ્ય રહેલા અને 11006 મતો થી વિજેતા બનેલા રમેશભાઈ મિસ્ત્રીને ટિકિટ અપાઈ છે.
જંબુસર બેઠક ઉપર ભાજપે સંત અને નાહીયેર ગુરુકુળના સંચાલક ડી.કે.સ્વામીને ઉમદેવાર જાહેર કર્યા છે. તો આદિવાસી ઝઘડિયા બેઠક માટે તાલુકા પંચાયતના અધ્યક્ષ રિતેશ વસાવાની ઉમેદવાર તરીકે પસંદગી કરવામાં આવી છે.
ભરૂચ જિલ્લાની પાંચ બેઠકો ઉપર ઉમેદવારોના નામ જાહેર થતા જ આગેવાનો અને કાર્યકરોમાં ખુશી વચ્ચે તેઓન3 વધાવી લઈ શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. ભરૂચ કસક સ્થિત જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ભરૂચ વિધાનસભા બેઠકના ઉમેદવાર રમેશભાઈ મિસ્ત્રીનું જિલ્લા ભાજપ સંગઠન દ્વારા ફટાકડા ફોડી ઉષ્માભેર અભિવાદન કરાયું હતું. આગેવાનો અને કાર્યકરોએ તેમને હાર પહેરાવી શુભેચ્છાઓ પાઠવી હતી.
ભરૂચ ભાજપના ઉમેદવાર રમેશભાઈ મિસ્ત્રીએ કહ્યું હતું કે, ભાજપનો દરેક ઉમેદવાર કાર્યકર્તા જ છે. અને પ્રજા સહિત સંગઠનના સાથ સહકારથી વિજયી થઈ વિકાસને વેગ આપવા કટિબદ્ધ છે.
આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા, મહામંત્રી નિરલ પટેલ, દિવ્યેશભાઈ પટેલ, પૂર્વ પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમાર સહિતના કસક ખાતે રમેશભાઇ સહિત અન્ય અન્ય ઉમેદવારોના ટિકિટના વધામણાંમાં જોડાઈ તેઓને શુભેચ્છા પાઠવી હતી.
ડી. કે સ્વામી - જંબુસર વિધાનસભા મત વિસ્તાર
સ્વામિનારાયણના સંત ડી કે સ્વામીને વિધાનસભા ચૂંટણી 2022 માટે તક મળી છે. ડી કે સ્વામી સ્વનિરાયણ પંથના સંત છે જેઓ સ્થાનિક હિન્દૂ મતદારો ઉપર મજબૂત પકડ ધરાવે છે. તેમના મોટી સંખ્યામાં અનુયાયીઓ પણ છે.
અરૂણસિંહ રણા છેલ્લી બે ટર્મથી બેઠક ઉપર જીત મેળવી રહ્યા હતા. વાગરા મત વિસ્તાર કોંગ્રેસની કમિટેડ સીટ માનવામાં આવતી હતી જોકે વર્ષ 2012 ની ચૂંટણીમાં ભાજપાએ અરૂણસિંહને ટિકિટ આપી હતી જેમાં અરુણસિંહે તેમનાજ રાજકીય ગુરુ અને કોંગ્રેસના અગ્રણી ઇકબાલ પટેલને પરાજિત કરી ભાજપાને બેઠક અપાવી હતી. આ બાદ 2017 ચૂંટણીમાં પણ પરિણામનું પુનરાવર્તન થયું હતું. અરૂણસિંહની વિસ્તારમાં મજબૂત પકડ અને આક્રમક નેતા તરીકેની છાપને ધ્યાને લઈ તેમને હેટ્રિક લગાવવા તક આપવામાં આવી છે.
રમેશભાઈ મિસ્ત્રી - ભરૂચ વિધાનસભા મત વિસ્તાર
માજી ધારાસભ્ય રમેશ મિસ્ત્રીને ફરી ભજપાએ તક આપી છે. ભરૂચ 2002 માં વિધાનસભા ચૂંટણીમાં વિજય થયેલ રમેશભાઈ મિસ્ત્રી ને ફરી એક વાર ભાજપા મોવડી મંડળે ભરૂચ બેઠક પરથી ઉતાર્યા છે. 2002 માં કોંગ્રેસના જયેશ પટેલ સામે 11 હજારથી પણ વધુ મતની લીડથી જીત મેળવી હતી. રમેશભાઈ મિસ્ત્રી છોટા ઉદેપુર જિલ્લાના ભાજપના પ્રભારી અને પ્રદેશના કારોબારી સભ્ય છે.
ઈશ્વરસિંહ પટેલ - અંકલેશ્વર વિધાનસભા મત વિસ્તાર
માજી મંત્રી ઈશ્વર પટેલને ભાજપા દ્વારા અંકલરશ્વર બેઠક ઉપર સતત પાંચમી ટર્મ માટે ટિકિટ આપવામાં આવી છે. ઈશ્વર પટેલ રાજ્ય સરકારમાં સહકાર મંત્રી રહી ચૂક્યા છે. કોળી મતદારોનું પ્રભુત્વ ધરાવતી બેઠક ઉપર કોળી ઉમેદવાર રિપીટ કરાયા છે. ઈશ્વર પટેલ પાંડવાઈ સુગરના ચેરમેન પણ છે.
રિતેશ વસાવા- ઝઘડીયા વિધાનસભા મત વિસ્તાર
ઝઘડિયા તાલુકા પંચાયત પ્રમુખ રિતેશ વસાવાને ભજપાએ ઉમેદવાર જાહેર કર્યા છે. રિતેશ યુવાન મતદારો ઉપર સારું પ્રભુત્વ ધરાવે છે. આ બેઠક ઉપર સતત 7 ટર્મ સુધી છોટુ વસાવા ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. આ વખતે છોટુ વસાવાની ટિકિટ કપાઈ છે ત્યારે જીત માટે રિતેશ ઉપર પસંદગી ઉતારાઈ છે.






